ઉનાળામાં વધતી જતી ગરમીના કારણે વિદ્યાર્થીઓના હીતમાં શિક્ષણ વિભાગ દ્વારા ભરૂચ સહિત સમગ્ર રાજ્યની શાળાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી તેના પાલન માટે શાળાના સંચાલકોને તાકીદ કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆતથી ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર હીટ વેવની આગાહી કરવામાં આવી છે. 'હીટ વેવ'ને આપણે સરળ ભાષામાં લૂ કહીએ છીએ.
જે એક અત્યંત ગરમ આબોહવાની સ્થિતિ છે. તે સામાન્ય રીતે 2 અથવા તેથી વધુ દિવસો સુધી રહે છે, ત્યારે ઉનાળામાં વધતી જતી ગરમીના કારણે વિદ્યાર્થીઓના હીતમાં રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓ માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉપર જતાં લું લાગવાના બનાવો વધી રહ્યા છે. તેવા સમયે શાળાના વિદ્યાર્થીઓનું સ્વસ્થ્ય જળવાઈ રહે તેવા આશય સાથે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને કેટલાક જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે.
જે અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, શાળાનો સમય વહેલી સવારે 7થી સવારના 11 કલાક સુધી રાખવો, તેમજ ખુલ્લા મેદાન અથવા મકાનની છત વગર અભ્યાસ કે, કોઈ અન્ય કાર્યક્રમ નહીં કરવા સહિતના વિવિધ સૂચનો આપી તેના પાલન માટેની તાકીદ જિલ્લાની તમામ શાળાના સંચાલકોને કરવામાં આવી છે.