સમગ્ર દેશમાં એક માત્ર ભરૂચ શહેરમાં ભરાતા મેઘરાજાના મેળામાં છડીનોમના દિવસે છડીઓને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડયું હતું.
ભરૂચ ખાતે સાતમથી દશમ સુધી મેઘરાજાનો મેળો ભરાય છે. શ્રાવણ વદ નોમના દિવસને છડી નોમ તરીકે ઉજવવામાં આવે છે. માત્ર ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી લોકો મેઘરાજા તથા છડીઓના દર્શન કરવા માટે ઉમટી પડે છે. શ્રાવણ વદ નોમના દિને ભરૂચના ખારવા, ભોઇ તેમજ વાલ્મિકિ સમાજ દ્વારા શહેરના વિવિધ સ્થળોએથી છડી યાત્રા કાઢવામાં આવે છે. આશરે 20થી 25 ફૂટ ઊંચા વાંસને ત્રણેય સમાજના અગ્રણી યુવાનો ભકિતસભર માહોલમાં શરીરના વિવિધ અંગો પર રાખીને છડીઓને ઝુલાવે છે. આ અવસરે જય ઘોઘાવીર, જય મેઘરાજ અને જય છડીમાતાના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું. એક માન્યતા પ્રમાણે છડી જ્યારે રોડ પરથી પસાર થાય છે, ત્યારે લોકો શ્રધ્ધાભેર નીચે જમીન પર બેસી જાય છે, અને છડી તેમના ઉપરથી પસાર થઇ જાય છે. આમ કરવાથી સ્વાસ્થ્ય સારૂ રહે છે અને માતાજીના આશીષ મળે છે.