Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના વેલુગામમાં શ્રમિક મહિલા પર દીપડાનો જીવલેણ હુમલો, સતત બીજી ઘટનાથી લોકોમાં ફફડાટ...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વેલુગામ ખાતે ખેતરમાં મજૂરી કામ કરતી એક મહિલા ઉપર ખૂંખાર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો.

X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વેલુગામ ખાતે ખેતરમાં મજૂરી કામ કરતી એક મહિલા ઉપર ખૂંખાર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, છેલ્લા 8 દિવસમાં સતત બીજી વખત આવી ઘટના બનતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

ગત તા. 25 ડિસેમ્બરના રોજ ભરૂચના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામે ખેતરમાં કપાસ વીણતી શ્રમિક મહિલા પર દિપડાએ અચાનક હુમલો કર્યો. ત્યારબાદ મહિલા સાથે રહેલા અન્ય વ્યક્તિઓ દ્વારા દીપડાના ચંગુલમાંથી તેને બચાવી લેવામાં આવી હતી, ત્યારે આજરોજ ફરી એકવાર ઝઘડીયા તાલુકામાં ખૂંખાર દીપડાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. વેલુગામ ખાતે ખેતરમાં મજૂરી કામ કરી રહેલ રમીલા વસાવા ઉપર દીપડાએ પાછળથી આવી જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, મહિલાએ બૂમાબૂમ કરતાં આસપાસ રહેલા લોકોએ આ મહિલાને દીપડાનો શિકાર બનતા બચાવી હતી. આ ઘટનામાં મહિલાને પગ તેમજ કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્ત મહિલાને પાણેથા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ, સ્થાનિકો દ્વારા વન વિભાગને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા કોઈ કાર્યવાહી હાથ નહીં ધરાતા ગ્રામજનોમાં હાલ ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

Next Story