ભરૂચમાં કોંગ્રેસ દ્વારા સાંકેતિક ગુજરાત બંધના એલાનના પગલે કોંગી કાર્યકરોએ પેમ્પલેટ વેચવા સાથે દહેજ રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ કરતા કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકાર સામે મોંઘવારી, મંદી અને બેરોજગારી સહિતના મુદ્દે સવારના 8થી 12 સુધી સાંકેતિક બંધનું એલાન આપી તેને સફળ બનાવવા દહેજ રોડ બંધ કરવા માટે ટાયરો સળગાવ્યા હતા. તો બીજી તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય નજીક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી, પાલિકા વિપક્ષ નેતા સમસાદઅલી સૈયદ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા હતા, જ્યાં લોકો પેમ્પલેટ વેચી લોકોને બંધ પાડવા અપીલ કરવા સાથે ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે કોંગી અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરી એ' ડિવિઝન પોલીસ મથકે લઇ જતાં કોંગી અગ્રણીઓએ આક્રોશ ઠાલવ્યો હતો. જોકે, ભરૂચમાં કોંગ્રેસના સાંકેતિક ગુજરાત બંધના એલાનની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી.
તો બીજી તરફ, અંકલેશ્વર શહેર ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, રોજગારી સહિતના મુદ્દાઓને લઇ કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધ પાડવામાં આવ્યું હતું, જોકે, અંકલેશ્વરમાં કોંગ્રેસના સાંકેતિક બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.