ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા બજારમાંથી રોજીંદી પસાર થતી ટ્રકોને લઇ બબાલ, ગ્રામજનો અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણ..!

ગ્રામજનોએ ખાણ-ખનીજ વિભાગ અને જિલ્લા કલેક્ટરને ફોન કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉમલ્લા દોડી આવ્યા હતા.

New Update
ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા બજારમાંથી રોજીંદી પસાર થતી ટ્રકોને લઇ બબાલ, ગ્રામજનો અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણ..!

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા-દુ.વાઘપુરા ગામના મેઇન બજારમાંથી પસાર થતી રેતીની ટ્રકોનો વિવાદ દિવસેને દિવસે વિસ્તૃત બનતો જાય છે. સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોની જવાબદાર તંત્ર અને પોલીસને વારંવાર કરાયેલ રજૂઆતો બાદ પણ કોઇ કાર્યવાહી નહીં થતાં સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનો વિફર્યા હતા. વિફરેલા ગ્રામજનોએ રેતીની ટ્રકો અટકાવતા મામલો બિચક્યો હતો. ગ્રામજનો અને ટ્રક ચાલકો વચ્ચે રીતસર ખુલ્લેઆમ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. બન્ને પક્ષ વચ્ચે થયેલ ખુલ્લા હાથની મારામારી જેવા દ્રશ્યોને લઇને નગરમાં ઉત્તેજનાનો માહોલ છવાયો હતો.

ગ્રામજનોએ ખાણ-ખનીજ વિભાગ અને જિલ્લા કલેક્ટરને ફોન કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉમલ્લા દોડી આવ્યા હતા. તો બીજી તરફ, કેટલાક રેતીની ટ્રકોવાળા બજાર વચ્ચે રેતી ખાલી કરીને નાશી ગયા હતા. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ સ્થળ પર આવીને પરિસ્થિતિ જોઈ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. પરંતું સ્થાનિક અગ્રણીઓએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કેવા પગલા ભરશે એ બાબતે સવાલો ઉઠાવ્યા હતા. આ દરમિયાન નગરના વેપારીઓએ દુકાનો બંધ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

વાહન ચાલકો અને સ્થાનિકો વચ્ચે સંઘર્ષ સર્જાતા સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઉમલ્લા દુ.વાઘપુરાના બજારમાંથી પસાર થતાં રેતીના વાહનોને લઇને અકસ્માતો તેમજ ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે, ત્યારે આ મામલે ગ્રામજનોએ વ્યક્ત કરેલ વિરોધ પ્રદર્શન બાદ તંત્ર કેવા પગલા ભરે છે તે હવે જોવું રહ્યું.