/connect-gujarat/media/post_banners/884740d5a5a05a181515f346c742ac3cf6331387aaa597b9bfcf7e94bdacf585.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીની ડી.પી.શાહ વિદ્યામંદિર શાળા ખાતે ગતરોજ 15થી વધુ વિદ્યાર્થિનીઓ જ્યારે આજે વધુ એક શાળામાં વિદ્યાર્થિનીની અચાનક તબિયત લથડતા પંથકના લોકોમાં ચિંતા વધી છે, ત્યારે જીપીસીબી અને ફોરેન્સિક ઇન્વેસ્ટીગેશનની ટીમ દ્વારા રાજપાડી ખાતે આવી આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતેની ડી.પી.શાહ વિદ્યામંદિર શાળામાં ગતરોજ એક ઘટના બની હતી. જેમાં એકાએક 15થી વધુ વિદ્યાર્થીનીઓમાં શ્વાસની તકલીફ જણાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ આજરોજ વધુ એક શાળાની એક વિદ્યાર્થીનીને શ્વાસની તકલીફ જણાતા ઝઘડીયા તાલુકા સહિત રાજપારડી પંથકના લોકોની ચિંતામાં વધારો થયો છે. અવિધા સીએસસી પર ફરજ પરના તબીબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીનીઓને કોઈ ચીજ ખાવામાં આવી હોવાથી આ ઘટના બની નથી.
પરંતુ વાયુ પ્રદૂષણ આ ઘટના બનવાનું કારણ હોઈ શકે તેમ જણાવ્યું હતું, જ્યારે ઝઘડીયા મામલતદાર દ્વારા ભરૂચ કલેકટરને લેખિતમાં કરેલ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ ઘટના શીતળા સાતમ નિમિત્તે ખાવામાં આવેલ વાસી ખોરાકના લીધે બની હોવાનું જણાવ્યું હતું. જોકે, બન્ને અધિકારીઓના અલગ અલગ નિવેદનથી કેટલાક તર્ક વિતર્ક સર્જાયા છે. હાલ તો આ ઘટના કયા કારણોસર બની છે, તે અંગે વિવિધ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આજરોજ જીપીસીબી અને ફોરેન્સિક ઇન્વેસ્ટીગેશનની ટીમ દ્વારા શાળા સંકુલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાણી સહિત વિવિધ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ જીપીસીબીની ટીમ દ્વારા રાજપારડી ખાતે વાયુ પ્રદૂષણ સહિતની તપાસ કરવામાં આવી હતી. જોકે આ બનાવ કયા કારણોસર બન્યો છે, એ તો તપાસ બાદ જ બહાર આવશે. પરંતુ હાલ આ બનાવને લઇને અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.