ભરૂચ જિલ્લા કક્ષાના 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ધ્વજવંદન બાદ રાજ્ય મંત્રીના હસ્તે ભરૂચ તાલુકાના વિકાસકાર્યો અર્થે વહીવટી તંત્રને 25 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. ધ્વજવંદન બાદ રાજ્ય મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે પોલીસ પરેડ નિહાળી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની સંપૂર્ણ માહિતી જનતાને આપી હતી.
આ સાથે જ ભરૂચ તાલુકાના વિકાસ કાર્યો અર્થે મંત્રીના હસ્તે રૂપિયા 25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને એનાયત કરાયો હતો. ઉપરાંત જિલ્લામાં પ્રજાલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, સાંસદ મનસુખ વસાવા, પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, વાગરના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચ કલેક્ટર તુસાર સુમેરા, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, ASP વિકાસ સુંડા સહિતના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ભરૂચવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જોકે, હાલ વકરી રહેલી કોરોના મહામારીના કારણે સરકારની ગાઈડલાઇનના પાલન સાથે સમગ્ર કાર્યક્રમને ગણતરીની મિનિટોમાં જ સંપન્ન કરવામાં આવ્યો હતો.