/connect-gujarat/media/post_banners/7a34d54e585402510ff5cc952e23f3789d24b1f6789b827a927390a580984b22.jpg)
ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડથી કંથારીયા-થામ ગામ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બનતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે કંથારીયા ગામના સરપંચ સહિતના આગેવાનોએ ભરૂચ કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતે બિસ્માર માર્ગ અંગે રજૂઆત કરી 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું.
આપ જે બિસ્માર માર્ગ જોઈ રહ્યા છો તે, ભરૂચના દહેજ બાયપાસ રોડથી જંબુસરને જોડતો મુખ્ય માર્ગ છે. એટલું જ નહીં, વિલાયત જીઆઇડીસી, ગંધાર પેટ્રો કેમિકલ્સ તથા ONGC સહિતની કંપનીઓના તમામ વાહનો આ માર્ગનો જ ઉપયોગ કરે છે, ત્યારે શહેરના પ્રવેશ માર્ગ સમાન રોડની હાલત છેલ્લા ઘણા સમયથી દયનીય બની છે. વરસાદના કારણે આ માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેથી અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ ખરાબ રસ્તાના પગલે અકસ્માતોના બનાવો પણ અવારનવાર બનતા હોય છે.
આ મામલે સ્થાનિક આગેવાનો દ્વારા તંત્રને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી આ ગંભીર સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું, ત્યારે આંખ આડા કાન કરતા અધિકારીઓના કાન મરડવા કંથારીયા ગામના સરપંચ સહિતના આગેવાનો ભરૂચ કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતે પહોચ્યા હતા, જ્યાં યુદ્ધના ધોરણે બિસ્માર માર્ગનું સમારકામ કરવામાં આવે તે માટે ઉગ્ર રજૂઆત કરી હતી. જો માંગણીઓ નહીં સંતોષાય તો આગામી 24 કલાક બાદ સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ સાથે જન આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.