Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરમાં બિસ્માર માર્ગના પ્રશ્ને સ્થાનિકોએ ઢોલ નગારા વગાડી પ્રમુખને કરાવી પદયાત્રા

X

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં બિસ્માર માર્ગના પ્રશ્ને સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ નોધાવ્યો હતો.સ્થાનિકો ઢોલ નગારા સાથે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને નગર પાલિકા પ્રમુખને પદયાત્રા કરાવી સ્થળ નિરિક્ષણ માટે લઈ ગયા હતા

ચોમાસામાં અંકલેશ્વર શહેરના મોટાભાગના માર્ગોનું ધોવાણ થયું છે જેનાથી સ્થાનિકો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્ય સરકાર એક તરફ માર્ગ મરામત મહા અભિયાન ચલાવી રહ્યું છે તો અંકલેશ્વરમાં બિસ્માર માર્ગના પ્રશ્ને સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ગટર લાઇનની કામગીરી બાદ માર્ગનું સમારકામ ણ કરાતા વરસાદી માહોલ વચ્ચે માર્ગ ખૂબ જ બિસ્માર બન્યો છે. આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવા છતા પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો આજરોજ ઢોલ નગારા સાથે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને પ્રમુખ વિનય વસાવાને રજૂઆત કરી હતી. પોતાને પડતી તકલીફનો અહેસાસ કરાવવા સ્થાનિકો પ્રમુખ વિનય વસાવા અને કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલને પદયાત્રા કરાવી તેઓના વિસ્તારમાં લઈ ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી

સ્થાનિકોના ટોળા વચ્ચે પ્રમુખ અને કારોબારી અધ્યક્ષે સમગ્ર વિસ્તારમાં નિરીક્ષણ કર્યું હતું. આ અંગે નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યુ હતું કે સુરતી ભાગોળ વિસ્તારમાં વર્ષોથી ગટર લાઇનનો પ્રશ્ન હતો ત્યારે ગટર લાઇનની કામગીરી કરવામાં આવી હતી. જો કે ચોમાસુ આવી જતાં માર્ગના સમારકામની કામગીરી અટકી પડી છે. આ વિસ્તારમાં માર્ગનું કામ મંજૂર થઈ ગયું છે થોડા સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે

Next Story