/connect-gujarat/media/post_banners/0451c48087b480453cc6bc88ee6aeb31fd7926869b03bfc517fb04e1d3a85d30.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે વૃદ્ધ પર રખડતાં શ્વાનોએ હુમલો કરતાં ગંભીર ઇજાના પગલે વૃદ્ધને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
રાજ્યભરમાં તાજેતરમાં એક બાદ એક શ્વાનના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કેટલાક નાના બાળકો તો અમુક મોટા લોકોને પણ રખડતાં શ્વાનોએ બાનમાં લઈ બચકાં ભર્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે, ત્યારે આવી ઘટનાઓમાં કેટલાક બાળકોને તો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. તેવામાં ભરૂચના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના મોડા ફળીયામાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ પર રખડતાં શ્વાનોએ અચાનક હુમલો કર્યો હતો. જેમાં પાળેલા શ્વાનને રખડતાં શ્વાનનોથી બચાવવા જતા વૃદ્ધ પર હુમલો થયો હતો. આ ઘટનામાં 70 વર્ષીય વૃદ્ધ અમરસંગ વસાવાને મોઢા અને હાથ-પગ સહિત શરીરના કેટલાક ભાગોમાં ગંભીર ઇજાઓ પહોચી હતી. બનાવના પગલે ઇજાગ્રસ્ત વૃદ્ધને લોહીલુહાણ હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.