/connect-gujarat/media/post_banners/9eca24f5ad197f91d8350710acd1b5cd359b9e49d338251ea493f892f1cd6032.jpg)
ભરૂચ જીલ્લામાં અગનગોળાની વર્ષાથી બેભાન થવાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે ઉનાળાની સીઝનમાં બપોરના સમયે કામ વગર બહાર નહીં નીકળવા માટે પણ તબીબો અપીલ કરી રહ્યા છે. તો બીજી તરફ જાહેર માર્ગો પર પીવાના પાણીના ATM બંધ હોવાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ઉનાળાના પ્રારંભ સાથે જ ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો પણ વધી રહ્યો છે. બપોર પડતા જ જાણે રસ્તાઓ સુમસામ થતા હોય તેવી સ્થિતીનું સર્જન થયું છે, ત્યારે જાહેર માર્ગો ઉપરથી ઉનાળાની કારઝાળ ગરમીથી રાહત મેળવવા મોઢા ઉપર દુપટ્ટો તથા યુવકો રૂમાલ બાંધી પોતાની સુરક્ષા કરી રહ્યા છે. ઉનાળાની ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડુ પીણું આરોગીને રાહત મેળવી રહ્યા છે. તો બીજી તરફ અગનગોળાની વર્ષાથી બેભાન થવાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે, ત્યારે ઉનાળાની સીઝનમાં બપોરે 12થી 4 વાગ્યા સુધી કામ વગર બહાર નહીં નીકળવા માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસરે લોકોને અપીલ કરી છે.
તો બીજી તરફ ભરૂચ શહેરના જાહેરમાર્ગો ઉપર ભિક્ષુકોની હાલત પણ કફોડી બની ગઈ છે. ભરૂચ નગરપાલિકાએ લાખોના ખર્ચે મુકેલા વિવિધ વિસ્તારોમાં મુકેલા પીવાના પાણીના એટીએમ બંધ અવસ્થામાં હોવાના કારણે લોકોને પીવાના પાણી માટે હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે આ મશીનોનું વીજ કનેક્શન બિલ તો નગરપાલિકા ભરપાઇ કરે છે. પરંતુ પાણી ન આવતું હોય જેના કારણે નગરપાલિકાના માથે વધુ વીજળીનો બોજ ઉભો થયો હોવાનો આક્ષેપ પણ વિપક્ષ દ્વારા કરાયા છે.