ભરૂચ જિલ્લાના મૂળ જંબુસર તાલુકાના કાવી ગામના યુવાનનું સાઉથ આફ્રિકાના જાંબિયામાં માર્ગ અકસ્માતમાં મોત થતા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના મૂળ જંબુસર તાલુકાના કાવી ગામના અને હાલ પાલેજ ખાતે રહેતા સલમાન બશિર પઠાણ વર્ષ 2021-22માં વર્ક પરમીટ ઉપર સાઉથ આફ્રિકા ગયા હતા. રોજગારી માટે ગયેલા સલમાન જાંબિયામાં પોતાના મોપેડ પર જઈ રહ્યા હતા, ત્યારે તેઓના મોપેડને કન્ટેનરે અડફેટે લીધું હતું.
અકસ્માતમાં તેઓનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. સલમાન બશિર પઠાણ નોકરી પરથી તેઓની મોપેડ પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. તેઓના નિધનને લઈ 3 સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું છે. તો બીજી તરફ, સલમાન બશિર પઠાણના આકસ્મિક મોતના પગલે સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.