પાયલોટના કપડા પહેરી ગામના કાચા મકાન પાસે ઊભેલી આ દીકરીને જુઓ, આ દીકરીનું નામ છે ઉર્વશી દુબે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના છેવાડાના કિમોજ ગામે ખેડૂત પુત્રી રાત્રે ઘરની બહાર સૂઇને આકાશમાં વિમાન જોઇ તેની માતાને કહેતી કે, મમ્મી હું પણ એક દિવસ વિમાન ઉડાવીશ, અને એજ ઉર્વશી આજે બની ગઈ છે પાયલોટ. જુઓ અમારો વિશેષ અહેવાલ...
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કિમોજ ગામમાં ખેડૂતના ઘરે ઉર્વશી દૂબેનો જન્મ થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલી ઉર્વશી પાયલોટ બનવાના સ્વપ્ન જોઇ ભણી રહી હતી, ત્યારે કોઇને એમ ન લાગ્યું હતું કે, આ દીકરી એક દિવસ પાયલોટ બની જશે. ગામની ગુજરાતી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી ઉર્વશીએ નક્કી કર્યું કે, તે પાયલોટ બનશે અને પાયલટ માટે શું જરૂરી છે, એ સમજી અભ્યાસમાં આગળ ભણી હતી. પાયલોટ બનવા પાછળ ઘણો જ શિક્ષણ ખર્ચ આવે છે, એ જાણીને પણ એમના પિતા અને કાકાએ નક્કી કર્યું કે, તેઓ દીકરીની ઈચ્છા પૂર્ણ કરશે. શરૂઆતમાં ઉર્વશીના કાકાએ દીકરીનો ખર્ચ ઉઠાવ્યો. પરંતુ અકાળે કોરોનામાં એમનું મૃત્યુ થતાં ઉર્વશીના અભ્યાસમાં મુશ્કેલી ઊભી થઈ હતી. પણ પિતાનો દ્રઢ નિર્ણય અને ઉર્વશીના અથાગ પરિશ્રમના કારણે આખરે તે પાયલોટ બની છે. એટલું જ નહીં, ઉર્વશીને પાયલોટ બનવા માટે સંતો પણ મેદાનમાં હતા. સ્તંભેશ્વર મહાદેવ મંદિરના સંત વિદ્યાનંદજી મહારાજ દ્વારા પણ ઉર્વશીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉર્વશીના પાયલોટ બનવાથી ગુજરાતીની ઉક્તિ સાર્થક સાબિત થઈ કે, મન હોય તો માળવે જવાય અને આત્મવિશ્વાસની સાથે પરિવારનો વિશ્વાસ એક દીકરીની પ્રગતિ માટે કેટલો જરૂરી છે, એ આ વાત પરથી સાબિત થાય છે.