Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગમાંથી પસાર થતા માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય, સ્વખર્ચે તાલુકા કોંગ્રેસ સમિતિએ કર્યું પેચવર્ક

ચોમાસા દરમિયાન ખાબકેલા ભારે વરસાદના પગલે નેશનલ હાઇવે નંબર 48 સહિતના અત્યંત જરૂરી કહી શકાય તેવા તમામ માર્ગો ધોવાઈ જતા બિસ્માર બન્યા છે.

X

વરસાદના વિરામ બાદ સમગ્ર જિલ્લાના માર્ગ હાલ અતિ બિસ્માર અવસ્થામાં આવી ગયા છે. ગ્રામજનોએ કરેલી રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ નહીં ધરાતા નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિએ સ્વખર્ચે બિસ્માર માર્ગો પર પેચવર્ક કરી અનોખી રીતે વિરોધ દર્શાવાયો હતો.

ભરૂચ જિલ્લામાં ચોમાસા દરમિયાન ખાબકેલા ભારે વરસાદના પગલે નેશનલ હાઇવે નંબર 48 સહિતના અત્યંત જરૂરી કહી શકાય તેવા તમામ માર્ગો ધોવાઈ જતા બિસ્માર બન્યા છે. જેના પગલે દિનપ્રતિદિન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. આ સાથે જ વાહનચાલકોને ખાડાઓના કારણે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે . જોકે, માર્ગ પર ખાડાના કારણે નેત્રંગ-ડેડીયાપાડા માર્ગ પર કૂપ ગામના બસ સ્ટેન્ડ નજીક એક પરિવારની કાર ખાડામાં પડ્યા બાદ સીધી ડેમની ખાડીના પાણીમાં ગરક થઇ ગઈ હતી. આ ઘટનામાં દંપત્તિ સહીત 3 લોકોના મોત નિપજ્યા હતા. આ બનાવ બાદ પણ તંત્ર દ્વારા માર્ગોનું પેચવર્ક નહી કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે અનેક રજૂઆતો કરાય છે. તેમ છતાં આજદિન સુધી માર્ગનું સમારકામ નહીં કરાતા નેત્રંગ તાલુકા યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયેશ વસાવા, ઉપપ્રમુખ મોશિન પઠાણ અને શેરખાન પઠાણની આગેવાનીમાં સ્વખર્ચે માર્ગ પર પેચવર્ક કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા 24 જેટલા કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આ સાથે જ તંત્ર દ્વારા જો 2 દિવસમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો જિલ્લાના તમામ માર્ગો પર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Next Story