Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કસક વિસ્તારની નવી નગરીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સમસ્યાના નિરાકરણ માટે ઉઠી માંગ

કોર્પોરેટર અને પાલિકા દ્વારા કોઈ વિકાસના કામો નહીં કરાયા હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ એકત્ર થઈ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો

X

ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત નવજીવન સ્કૂલ પાછળ આવેલ નવી નગરી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો, ત્યારે વહેલી તકે પાલિકા દ્વારા સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં નવજીવન સ્કૂલની પાછળના ભાગે નવી નગરીના આવાસો આવેલા છે. જેમાં અનેક લોકો પરિવાર સાથે વસવાટ કરે છે. પરંતુ આ વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટર અને પાલિકા દ્વારા કોઈ વિકાસના કામો નહીં કરાયા હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ એકત્ર થઈ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો.

આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા આપવામાં આવતી પ્રાથમીક સુવિધાઓ જેમ કે, પીવા માટે પાણીના નળ, લાઈટ અને અવર-જવર માટે રસ્તાનો અભાવ છે. જેના કારણે સ્થાનિકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં કોઈ બીમાર હોય તો એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી, પીવાનું પાણી આપવા આવતા ટેમ્પોવાળા પણ રસ્તાના કારણે અંદર આવતા નથી. સ્ટ્રીટ લાઈટો નહીં હોવાના કારણે રાત્રીના સમયે અંધારપટ છવાઈ જાય છે. જોકે, આ સમસ્યાઓ માટે સ્થાનિક નગરસેવકને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી અહી કોઈ કામગીરી કરવામાં આવી નથી, ત્યારે વહેલી તકે પાલિકા દ્વારા સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story