ભરૂચમાં સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઓલના અધ્યક્ષસ્થાને સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ માર્ચ પાસ્ટનો કાર્યક્રમ યોજાયો હતો. લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત વધુ મતદાન થાય તે હેતુસર મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે અતુલ્યવીર ચેરીટેબલ ટ્રસ્ટના ૧૭૦ જેટલા કેડેટસ અને ટીચર્સ ધ્વારા મતદાન જાગૃતિ માર્ચ પાસ્ટ (પરેડ )નું ભરૂચના સ્ટેચ્યુ પાર્કથી આયોજન કરવામાં આવ્યું હતું.
આ માર્ચ પાસ્ટનું સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઓલે લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઓલે યુવાનોએ મતદાન અંગે જાગૃત થવા હાંકલ કરી હતી. પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે એ માટે પ્રેરણા પૂરી પાડી યુવાઓને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. આ વેળાએ ઉપસ્થિત સૌએ ફરજિયાત મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા. માર્ચ પાસ્ટ સ્ટેચ્યુ પાર્ક, કલામંદિર જવેલર્સ, ભરૂચ થી થઈ શકિતનાથ સર્કલ થઇ કલેકટર કચેરી ખાતે પૂર્ણ થઇ હતી.આ પ્રસંગે શિક્ષણ નિરીક્ષક ડો. દિવ્યેશ પરમાર, અતુલ્યવીર ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો, શાળા- કોલેજના વિધાર્થીઓ અને વાલીઓએ પણ મતદાન જાગૃતિ માર્ચ પાસ્ટમાં ભાગ લીધો હતો.