ભરૂચ જિલ્લામાં હોળી-ધૂળેટીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભરૂચના વિવિધ વિસ્તારોમાં ધાણી, ખજૂર, ચણા, રંગો અને પિચકારીના સહિતની ચીજવસ્તુના હંગામી ધોરણે સ્ટોલ લાગી ગયા છે.
ભારતીય સંસ્કૃતિ મુજબ વિવિધ તહેવારોમાં વિવિધ વાનગીઓ આરોગવાની પરંપરા રહી છે, અને તેમાંય હોળી-ધુળેટી પર્વે હોલિકા દહનમાં ધાણી, ચણા, ખજૂર સહિતની વિવિધ સામગ્રીઓ પૂજામાં મુક્યા બાદ આરોગતા હોય છે. હોળી પર્વે ધાણી, ખજૂર, ચણા સહિત સામગ્રીઓની માંગ વધુ હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે બજારો બંધ રહેતા વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા હતા, ત્યારે હવે કોરોના સંક્રમણ ઓછું થતાં ભરૂચ શહેરના બજારો ધમધમી ઉઠ્યા છે. શહેરના ફાટા તળાવ સહિતના વિસ્તારોમાં હંગામી ધોરણે સ્ટોલ ઊભા થઈ ગયા છે. જોકે, હજુ હોળી-ધૂળેટી પર્વને એક સપ્તાહ જેટલો સમય બાકી છે, ત્યારે નજીકના દિવસોમાં ઘરાકી નીકળે તેવી વેપારીઓ આશા સેવીને બેઠા છે.