/connect-gujarat/media/post_banners/1c68827a1c4cdb7390c38f23828e4e626502bd510f48698b0c2bf87929cfe7e7.jpg)
ભરૂચ શહેરના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ નીલમનગરથી બુસા સોસાયટી સુધી રૂ. 40 લાખના ખર્ચે નિર્માણ પામનાર RCC રોડના કામનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ નીલમનગરથી બુસા સોસાયટી સુધીના RCC રોડના કામની ખાતમુહૂર્ત વિધિ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવી હતી. નીલમનગર સહિત અન્ય સોસાયટીને ઉપયોગી એવા બુસા સોસાયટી સુધીના RCC રોડનું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ. 40 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવનાર છે. જેની ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય રમેશ ભાઈ મિસ્ત્રીએ જણાવ્યુ હતું કે, છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના લોકોની રોડ અંગે માંગણી હતી, જે પૂર્ણ કરવામાં આવી છે. એટલું જ નહીં લાંબા સમય સુધી લોકોને RCC રોડનો લાભ મળે તે માટે કામની ગુણવત્તા અંગે પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત સભ્ય જયશ્રી વાચ્છાણી, ભૂમિકા પટેલ, નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશ મેકવાન સહિતના સભ્યો, પાલિકા સભ્ય તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.