ભરૂચની મારૂતિનગર અને સત્કાર સોસાયટી વચ્ચે બની રહેલાં રસ્તાની કામગીરીમાં પાલિકા તરફથી વિધ્નો ઉભા કરાઇ રહયાં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાઉન્સીલરે આંદોલનની ચીમકી આપી છે.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં 2 અને 8 વચ્ચે જનભાગીદારીથી રસ્તાનું નિર્માણ કરાય રહયું છે. મારૂતિનગરથી સત્કાર સોસાયટી નજીક બની રહેલ રોડનું કામ વિવિધ વિઘ્નોને કારણે અટવાય ગયું છે. વારંવાર રસ્તાની કામગીરી અટકી જતાં સ્થાનિક આગેવાનો અને રહીશોમાં પાલિકા તંત્ર સામે આક્રોશ ફેલાયો છે.મદીના હોટલથી નીકળી મારુતિનગર તરફ જતો રસ્તો કાચો હતો પણ કોંગ્રેસના સભ્ય ઇબ્રાહીમ કલકલ દ્વારા જનભાગીદારીથી નવો રસ્તો મંજુર કરાવ્યો હતો. નવા રોડનું કામ શરૂ પણ થયુંપણ વારંવાર અડચણો આવતા રોડનું કામ કોન્ટ્રાક્ટરે અધૂરું છોડી દીધું છે. મારૂતિનગરના રહીશોએ રોડનું કામ વહેલી તકે ચાલુ કરાવવા માંગ કરી હતી જ્યારે કાઉન્સિલર ઇબ્રાહિમ કલકલે તો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.