/connect-gujarat/media/post_banners/677c90a325fb9ac2344f4e925266b3202fd17c55b760830a9221f49eb308562c.jpg)
ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે હાલ નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, ત્યારે છેલ્લા 3 દિવસથી નર્મદા નદીમાં પાણીની આવકમાં વધારો થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. જોકે, માછીમારોને રોજગારી આપતી માઁ નર્મદા નદીમાં પાણીની ભારે આવક થતાં વેજલપુરના માછી સમાજે દુગ્ધાભિષેક સાથે વિશેષ પૂજન-અર્ચન કર્યું હતું.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરના નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થતા લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત પાણીનો પ્રવાહ આવતા ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદા મૈયાનું રોદ્ર સ્વરૂપ જોઈ માછીમારો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, ત્યારે જન્માષ્ટમી પર્વે માછીમારોએ બહુચરાજી નર્મદા ઓવારે બોટ મારફતે નર્મદા મૈયાની વિશેષ પૂજા કરી હતી. દુગ્ધાભિષેક, શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરવા સાથે નર્મદા મૈયાનું વિશેષ પૂજન કર્યું હતું. આ સાથે જ નર્મદા મૈયા હમેશા અવિરત પણે બે કાંઠે વહેતી રહે તેવી પ્રાર્થનાઓ કરી હતી.