સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેરની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભારત સરકારના યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર-ભરૂચ, જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, મહિલા અને બાળ વિકાસ વિભાગ-ભરૂચ તેમજ નાગરિક સુરક્ષા વિભાગના સંયુક્ત ઉપક્રમે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ વેળા સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગોને વિશેષ યાદ કરવામાં આવ્યા હતા. તેમજ નાશિક, મહારાષ્ટ્ર ખાતે આયોજિત રાષ્ટ્રિય યુવા ઉત્સવ-૨૦૨૪ ઉદ્ઘાટન સમારોહ તેમજ ભારતના પ્રધનમંત્રીના સંબોધનનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ સાથે જ તા. 12થી 18 જાન્યુઆરી દરમ્યાન આયોજીત થનાર રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે નેહરુ યુવા કેન્દ્ર-ભરૂચના સુબ્રતા ઘોષ, જે.પી.કોલેજના આચાર્ય ડો. એન.બી.પટેલ, પ્રો. કૈલાશ ચૌધરી, NSS પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવંત, મહિલા અને બાળ વિકાસ અધિકારી પ્રીતેશ વસાવા, જિલ્લા સુરક્ષા અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.