સેવારુરલ અને શારદા મહિલા વિકાસ સોસાયટીના સ્થાપક પદ્મશ્રી ડો. લતાબહેન દેસાઈનું ભરુચ જિલ્લાની વિવિધ 16 સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરુચ જિલ્લાના ઝગડિયા ખાતે સેવા રૂરલ અને શારદા મહિલ વિકાસ સોસાયટી સ્થાપી ગરીબોની સેવાને કેન્દ્ર સ્થાને રાખનાર ડો. લતાબહેન અનિલભાઈ દેસાઈને તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભરુચ જિલ્લા માટે આ ગૌરવની બાબત છે કે ઝગડિયા જેવા આદિવાસી વિસ્તારમાં સેવાની ધૂણી ધખાવનાર ડો. લતાબહેનને આટલું મોટું સન્માન મળ્યું છે. ભરુચ જિલ્લાની 16 જેટલી સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા તેઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે.પી. કોલેજના અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તમામ સંસ્થાના પ્રતિનિધિઓએ તેઓને સન્માન પત્ર, મોમેન્ટો તથા વૃક્ષ આપી સન્માન કર્યું હતું. તમામ સંસ્થાઓએ ભેગા મળી સેવા રૂરલને રૂ.1 લાખ 21 હજારનું અનુદાન આપ્યું હતું.
પદ્મશ્રી ડો. લતાબહેન દેસાઇ સાથે યોજાયેલ સંવાદમાં તેઓએ જણાવ્યુ હતું કે જ્યારે શરૂઆતમાં ઝગડિયા ખાતે કામ શરૂ કર્યું ત્યારે લોકો અમને ગાંડા ગણતા હતા પરંતુ અમે અનેક પડકારોને ઝીલીને પણ સેવાકીય પ્રવૃત્તિ શરૂ રાખી હતી. અને આજે પરિણામ સ્વરૂપે આ સંસ્થા એ અનેક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. કાર્યક્રમમાં બીડીએમએ ના પ્રમુખ હરીશ જોષી, સી.ઇ.ઑ જયેશ ત્રિવેદી, ભરુચ સીટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, કમલેશભાઈ ઉદાણી, મિનલબહેન દવે, આનંદપુરા પરિવાર, સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.