નર્મદા પરિક્રમાએ નીકળેલા મહારાષ્ટ્રના પરિક્રમાવાસી લોકોને અંગોનું દાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે, વધુમાં તેઓ તેમની સાથે નિંબોલીના બીજ લઈને નર્મદાના કિનારે અને વૃક્ષ વિહીન વિસ્તારોમાં વાવેતર પણ કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં દરરોજ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાના શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, જેમના રહેવા અને ભોજનની વ્યવસ્થા નર્મદા ભક્તો અને સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવી રહી છે, જ્યારે કેટલાક પરિક્રમાવાસીઓ પોતાની પરિક્રમા દરમિયાન લોકોને જાગૃતિનો સંદેશ આપતા હોય છે, ત્યારે આવા જ નર્મદા પરિક્રમા કરી રહેલા મહારાષ્ટ્ર-નાગપુરના રહેવાસી રમેશ ભીસીકર નર્મદા પરિક્રમાએ નીકળ્યા છે. આ પરિક્રમા દરમિયાન તેઓ લોકોને “જિંદગી ન મિલે દોબારા”ના સ્લોગન સાથે અંગદાન કરી અન્ય લોકોના જીવ બચાવવા માટે અપીલ કરી રહ્યા છે. નર્મદા પરિક્રમા કરતા તેઓ ભરૂચના નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવી પહોચ્યા હતા. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, મારો ઉદ્દેશ્ય નર્મદા પરિક્રમા સાથે અંગદાન પ્રત્યે જનજાગૃતિ લાવવાનો છે. શહેરી વિસ્તારોમાં લોકો અંગદાન માટે આગળ આવે છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિનો અભાવ છે. આ માટે નર્મદા પરિક્રમા દ્વારા હું ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામજનોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો છું. આ સાથે પર્યાવરણ જાળવણી અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવે છે. વધુમાં તેઓ ગાયના છાણમાં મિશ્રિત નિંબોલીના બીજ લઈ જઈ રહ્યો છું. જે નર્મદા કિનારે કે, રસ્તામાં ઉપયોગી જગ્યાઓ શોધીને નિંબોલીના બીજનું વાવેતર કરવામાં આવે છે.