/connect-gujarat/media/post_banners/5c3bd914d1777f8cf15a451c26280d04284317c9381711eb9661961ced24525e.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આવેલા વોર્ડ નં. ૩માં બહુચરાજી નગરીમાં ઉભરાતી ગટરો બાબતે સ્થાનિક લોકોએ ચૂંટાયેલા નગરસેવકો તથા ભાજપના હોદ્દેદારોને અનેક રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, ત્યારે અહી સ્થાનિકોના બંધ મકાનમાં ગટરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી ફરી વળતાં પાલિકા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે, આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અહીં 15 દિવસ પહેલા જાતે આવીને દુર્દશા જોઈ ગયા હોવા છતાં હજુ સુધી ગટર સફાઈની કામગીરી કરવામાં આવી નહીં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.
સમગ્ર મામલે આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, ભૂગર્ભ ગટર લાઇનની કામગીરીના વાર્ષિક ટેન્ડર પ્રક્રિયામાં કોઈએ પણ ટેન્ડર ભર્યું નથી. સાથે જ ભૂગર્ભ ગટરની મોટર પણ બગડેલી છે અને નવી મોટર લાવવા માટે મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત જૂની મોટર રીપેરીંગ કરવા માટે ટેન્ડરીંગ કરવામાં આવ્યું નથી. ખુલ્લી ગટરોની સાફ સફાઈ વાર્ષિક ટેન્ડરો દ્વારા કરવામાં આવે છે. પરંતુ અગાઉની સંસ્થાને બીલનું ચુકવણું ન કરતાં આ કામગીરી હાલમાં બંધ છે. જોકે, ખુલ્લી ગટરોને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.