ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં ખાડાની સમસ્યા ફરી એકવાર વકરી હોવાનું સામે આવતા પ્રજાની પરેશાનીમાં વધારો થયો છે, ત્યારે વહેલી તકે અહીના માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
ભરૂચ શહેર તથા જીલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થતાં છેલ્લા 5 દિવસથી ચોમાસાનો માહોલ જમ્યો છે, ત્યારે વરસાદના આગમન સાથે જ જંબુસર નગરમાં ખાડાની સમસ્યાથી પ્રજાની પરેશાનીમાં પણ વધારો થયો છે. સ્થાનિકો દ્વારા વહીવટી તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં કુમ્ભકર્ણની નિદ્રામાં તંત્ર પોઢી રહ્યાનું ભાસી રહ્યું છે. જંબુસર શહેરના હાર્દસમા વિસ્તાર ડેપોથી ટંકારી ભાગોળ રીંગ રોડપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રોડ પર આશરે દોઢ ફૂટના ખાડા જોવા મળી રહ્યા છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા તો છે જ, પરંતુ જંબુસર વહીવટી તંત્રના અમલદારો પણ આ રસ્તા પરથી પસાર થાય છે, છતાં જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી હાલતુ નથી. રસ્તા અને ખાડાની સમસ્યા એટલી હદે વકરી છે કે, એમ્બયુલન્સમાં દર્દીનું ખરાબ રસ્તાના કારણે ત્યાં જ મૃત્યુ થવાની સંભાવના વર્તાય રહી છે. અને જો કોઈ પ્રસુતાની ડિલિવરી રસ્તામાં જ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, ત્યારે હવે વહેલી તકે અહીના માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.