/connect-gujarat/media/post_banners/f643de1e4341e515c78bff1837ed7c6f71da45a1c7ab4145510fe9a5f772e758.jpg)
“મારી માટી, મારો દેશ” અને “માટીને નમન, વીરોને વંદન” અભિયાન અંતર્ગત ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંત્રાણ ગામ અને અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે શહીદ વીરોની યાદમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા “મારી માટી, મારો દેશ” તેમજ “માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહીદ વીરોની યાદમાં ઠેર ઠેર કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંત્રાણ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં આયોજિત કાર્યક્રમમાં છાત્રાઓએ સુંદર દેશ ભક્તિ ગીત રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ગામ તળાવ નજીક નવનિર્મિત વીર શહીદોના સ્મારકની ગામના વીર શહીદ યુસુફ ખીલજીના પરિજન હાજી ઇકબાલ દ્વારા અનાવરણ વિધિ કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના સરપંચ શારદા રાઠોડ દ્વારા સ્મારક પાસે દિપ પ્રાગટ્ય બાદ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકગણ સહિત છાત્રોએ વીર શહીદોની યાદમાં નિર્માણ પામેલ સ્મારક પાસે સેલ્ફી લીધા બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જે બાદ દેશની આઝાદીની ચળવળમાં ભાગ લેનાર ગામના 27 વીર શહીદોના સ્વજનોને ફૂલહાર પહેરાવી સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તો બીજી તરફ, અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે પણ “મારી માટી, મારો દેશ” તેમજ “માટીને નમન, વીરોને વંદન” અભિયાન અંતર્ગત તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. વીરોને ની અંજલી શીલા ફલકમનું લોકાર્પણ તેમજ અમૃતવાટીકામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ તેમજ કોસમડીના ગ્રામજનોએ અમૃત કળશમાં ગામની માટીને એકત્ર કરી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય ચીમન વસાવા, મયુરી બારોટ, સરપંચ અજિત વસાવા, નિવૃત BSFના કાસમ અહેમદ ડુવાડીયા, ઇન્ડિયન નેવીના રોહિદ પ્રસાદ, તલાટી કમ મંત્રી કીર્તિ દેસાઈ સહિત શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.