Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમ આદમી પાર્ટીના નેતાઓ પર થયેલા હુમલાનો કરાયો વિરોધ

વિસાવદર પાસે આપના કાફલા પર થયો હતો હુમલો, સુરતમાં ગોપાલ ઇટાલીયાના ઘરે પહોંચ્યાં હતાં ટોળા.

X

રાજયમાં વિધાનસભાની ચુંટણીને ભલે એક વર્ષની વાર હોય પણ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અત્યારથી ધમાસાણ જોવા મળી રહયું છે. વિસાવદર અને સુરતમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પર થયેલા હુમલાની ઘટનાના વિરોધમાં ભરૂચમાં આપના આગેવાનો અને કાર્યકરોએ કલેકટરને આવેદનપત્ર આપી આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાનો ભુતકાળનો એક વિડીયો વાયરલ થઇ રહયો છે અને તેની સામે બ્રહમ સમાજ વિરોધ કરી રહયો છે. થોડા દિવસ પહેલા વિસાવદર પાસે ઇસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવિણ રામના કાફલા પર હુમલો થયો હતો જેમાં ગાડીઓના કાચ તોડવામાં આવ્યાં હતાં તેમજ એક કાર્યકરને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાની શાહી સુકાઇ તે પહેલાં ગોપાલ ઇટાલીયાના સુરત સ્થિત નિવાસે પણ હુમલો કરાયો હતો.

આ બંને હુમલાઓની ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી તરફથી રાજયવ્યાપી કાર્યક્રમો આપવામાં આવી રહયાં છે. જેના ભાગરૂપે સોમવારે ભરૂચમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપ વિરોધી નારેબાજી કરી હતી અને આરોપીઓને કડક સજા કરવાની માંગણી સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીના નેતાઓને સુરક્ષા આપવામાં આવે તેવી પણ માંગ કરાય છે.

Next Story