Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ અંદાજે 60 ટકા ઓછો વરસાદ, દુકાળના એંધાણ

જિલ્લામાં અત્યાર સુધીમાં 2,946 મીમી વરસાદ વરસ્યો, ગત વર્ષે ઓગષ્ટ સુધીમાં 7,590 મીમી વરસાદ વરસ્યો હતો.

X

ભરૂચ જિલ્લા ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં આશરે 40 ટકા જેટલો જ વરસાદ વરસ્યો હોવાથી દુકાળના ડાકલા વાગી રહયાં છે. જો વરસાદ નહિ પડે તો ખેડુતોને પાક બચાવવા માટે બોર અથવા કેનાલના પાણી પર નિર્ભર રહેવું પડશે.

પાવન સલિલા મા નર્મદાના તટે વસેલા ભરૂચ જિલ્લામાં દુકાળના ડાકલા વાગી રહયાં છે. ઓગષ્ટ મહિનો પુર્ણ થવા આવ્યો હોવા છતાં દુર દુર સુધી વરસાદના કોઇ એંધાણ વર્તાય રહયાં નથી. કોરોનાની મહામારી વચ્ચે ખેડુતોએ ચાલુ વર્ષે સીઝન સારી જાય તે માટે ખેતરોમાં વિવિધ પાકોની વાવણી કરી દીધી છે પણ હવે જગતનો તાત ચાતક પક્ષીની માફક વરસાદની રાહ જોઇ રહયો છે.

જો વરસાદ નહિ વરસે તો ખેતરોમાં તૈયાર થઇ રહેલો પાક બળી જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. ચાલુ વર્ષે ભરૂચ જિલ્લાના દરેક તાલુકામાં વરસાદની ટકાવારી ઓછી રહી છે. ભરૂચ ડીસ્ઝાટર કંટ્રોલ કચેરી તરફથી મળતી માહિતી મુજબ જિલ્લામાં અત્યાર સુધીમાં 2,946 મીમી વરસાદ નોંધાયો છે જેની સરખામણીએ ગત વર્ષે વરસાદની માત્રા 7,590 મીમી હતી. આમ જિલ્લામાં હજી 40 ટકા જેટલો જ વરસાદ વરસ્યો છે હજી સુધી 60 ટકા જેટલી વરસાદની ઘટ વર્તાઇ રહી છે.

ખાસ કરીને વન્ય સંપદાથી ઘેરાયેલા નેત્રંગ, વાલીયા અને ઝઘડીયા તાલુકામાં પણ આ વર્ષે વરસાદની ઘટ વર્તાઇ રહી છે. સમગ્ર રાજયમાં ઓછો વરસાદ છે તેમજ મધ્યપ્રદેશમાં પણ વરસાદ નહીવત હોવાથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થઇ રહયો છે. આવા સંજોગોમાં ખેડુતોને સિંચાઇનું પાણી કેવી રીતે મેળવશે તે પ્રશ્ન સતાવી રહયો છે. આગામી દિવસોમાં ભારે વરસાદ વરસે તો જ ખેતીના પાકને જીવતદાન મળે તેમ છે.

Next Story