Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રાજપારડી પોલીસે છ રીઢા વાહનચોરોને ઝડપી પાડયાં, જંગલમાં છુપાવેલી 31 બાઇક મળી

રાજપારડી પોલીસની ટીમને મળી મોટી સફળતાં, અલીરાજપુરના જંગલોમાં છુપાવી હતી બાઇકો.

X

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી બાઇકની ચોરી કરતી ગેંગના છ સાગરિતોને રાજપારડી પોલીસે ઝડપી પાડયાં છે. વાહનચોરોની પુછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે અલીરાજપુર પાસેના જંગલોમાં સર્ચ કરી ચોરી થયેલી 31 બાઇક કબજે લેવામાં આવી છે.

ભરૂચ જિલ્લા એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ રાજપારડી પોલીસે વાહનચોરોને ઝડપી પાડવા અભિયાન શરૂ કર્યું હતું. બાઇકચોરોને ઝડપી પાડવા માટે પોકેટકોપ અને ઇ- ગુજકોપ સોફટવેરની મદદ લેવામાં આવી હતી. રાજપારડીના પીએસઆઇ જે.બી. જાદવ તથા તેમની ટીમ રાજપારડી નજીક આવેલી ભુડવા ખાડીના નાળા પાસે વાહનચેકિંગ કરી રહયાં હતાં. તે દરમિયાન બે બાઇક પર આવેલાં ચાર યુવાનોને અટકાવી તેમની પુછપરછ કરી હતી. ચારેય યુવાનો પાસેથી ગાડીની માલિકીના દસ્તાવેજો ન મળી આવતાં સોફટવેરની મદદથી તપાસ કરતાં બંને બાઇકો ચોરીની હોવાનું જણાયું હતું.

ચારેય યુવાનોની પુછપરછ કરતાં તેમણે પોતાના સાગરિતો સાથે મળી સુરત, કડોદરા, કાપોદ્રા, કામરેજ, કીમ, નવસારી, બારડોલી, ગરૂડેશ્વર, અમદાવાદ, સંખેડા, હાંસોટ અને ભરૂચ વિસ્તારમાંથી બાઇકોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ચોરી કરેલી બાઇકોને મધ્યપ્રદેશના અલીરાજપુર પાસે આવેલાં દરકલી ગામના જંગલોમાં સંતાડી દીધી હતી. નેત્રંગ પીએસઆઇ પાંચાણી તથા રાજપારડી પીએસઆઇ જાદવની આગેવાનીમાં ચુનંદા પોલીસ કર્મચારીઓની ટીમને મધ્યપ્રદેશ રવાના કરવામાં આવી હતી. પોલીસે દરકલીના જંગલોમાં સર્ચ ઓપરેશન કરી ચોરીની 31 મોટરસાયકલ રીકવર કરી છે. વાહનચોરીના મસમોટા રેકેટમાં અત્યાર સુધીમાં છ આરોપીઓને ઝડપી લેવાયાં છે. ઝડપાયેલાં આરોપીઓ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વિવિધ ગામડાઓના રહેવાસી છે અને તેઓ ગુજરાતમાંથી બાઇકની ચોરી કરી તેને મધ્યપ્રદેશ ખાતે લઇ જતાં હતાં.

Next Story