ભરૂચમાં ચોમાસાના પ્રારંભે જ માર્ગોની બિસ્માર હાલત થઈ છે. વિવિધ વિસ્તારોમાં માર્ગોનું ધોવાણ થતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચમાં વરસાદની જમાવટ થઈ છે અને સારો એવો વરસાદ વરસી રહ્યો છે પરંતુ વરસાદના કારણે માર્ગો બિસ્માર બન્યા છે અને તેનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે. ભરૂચના મુખ્ય માર્ગોની વાત કરીયે તો સેવાશ્રમ રોડ, પાંચબત્તી, ફાંટા તળાવને જોડતો માર્ગ તેમજ રેલ્વે ગોદી માર્ગની હાલત ખસતા થઈ છે. થોડા દિવસ અગાઉ તંત્ર દ્વારા વરસતા વરસાદ વચ્ચે સેવાશ્રમ રોડ પર માર્ગના સમારકામની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે દર વર્ષે ચોમાસામાં માર્ગો ચંદ્રની ધરતી જેવા બની જાય છે અને વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. બિસ્માર માર્ગના કારણે વરસાદી પાણી ભરાય રહેતા અકસ્માતની ભીતિ પણ સેવાય રહી છે ત્યારે માર્ગનું વહેલામાં વહેલી તકે સમારકામ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
આ અંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે બિસ્માર માર્ગો પર પેચિંગ વર્કનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને આવનાર સમયમાં તમામ માર્ગના સમારકામની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.