ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ-ભરૂચ દ્વારા ઉનાળામાં તરસ્યા લોકો માટે પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અસહ્ય ગરમીના કારણે લોકોને પીવાના પાણીની સમસ્યા ઉભી થતી હોય છે. આથી ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ રિક્ષા સ્ટેન્ડ નજીક રાહદારીઓની સુવિધા માટે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ-ભરૂચ દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. જેમાં રોજીંદા 12થી વધુ જગનો વપરાશ કરવામાં આવશે. પાણી માટે તરસ્યા લોકોને વલખાં મારવાં ન પડે તે માટે સેવાભાવી સંસ્થા દ્વારા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમા પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ ભાવના સાવલિયા, ઉપપ્રમુખ સવિતા રાણા, સેક્રેટરી અંજલિ ડોગરા, નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મી ચૌહાણ, પૂર્વ સરપંચ રતિલાલ ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશ મેકવાન સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જાહેર જનતાને પણ પાણીની પરબની સેવાનો લાભ લેવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.