Connect Gujarat
ભરૂચ

ભરૂચ બેઠક પર “વસાવા vs વસાવા” વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે, ભારત આદીવાસી પાર્ટીને છોટુ વસાવાનું સમર્થન...

ભરૂચ જિલ્લાના ઝઘડીયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ ભારત આદીવાસી પાર્ટીને સમર્થન આપ્યું છે

X

ભરૂચ જિલ્લાના ઝઘડીયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ ભારત આદીવાસી પાર્ટીને સમર્થન આપ્યું છે, ત્યારે આગામી દિવસોમાં તેઓ પણ ઉમેદવાર જાહેર કરી શકે છે, ત્યારે ભરૂચ બેઠક પર વસાવા vs વસાવા વચ્ચે રસાકસીભર્યો ત્રિપાંખિયો જંગ જામશે.

ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ દિવસેને દિવસે રોમાંચિત બનતો જાય છે. બેઠકના રાજકીય ગણિતના સમીકરણોને પારખી ગયેલા રાજકીય દિગ્ગજ નેતાઓ હવે ચૂંટણીમાં પોતાનો સિક્કો જમાવવા માટેના તમામ પ્રયત્નો કરવા કામે લાગી ગયા છે. ખાસ કરીને ભરૂચ લોકસભા બેઠકનો રાજકીય જંગ આદિવાસી વિસ્તારમાં ભરપૂર જામ્યો છે, જ્યાં મુખ્યત્વે પાર્ટીઓના આદિવાસી નેતાઓ પોતાની મત બેન્ક જાળવી રાખવા માટે અને બેઠક પર આ વખતની ચૂંટણી જીતવા માટેની રણનીતિ સાથે ચૂંટણીના જંગમાં ઝંપલાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યાં સતત 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાને રિપીટ કરી ચૂંટણીના જંગમાં ઉતારવામાં આવ્યા છે. તો બીજી તરફ આપ અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરી ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચૂંટણીના જંગમાં ઉતારી બેઠક પર જીત મેળવવાના તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જોકે, હવે આ બધા વચ્ચે ઝઘડીયાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના મસીહા કહેવાતા છોટુ વસાવા પણ ભરૂચ લોકસભા બેઠકના જંગમાં ઉતરી આવ્યા છે.

છોટુ વસાવાએ તેઓના નિવાસસ્થાને પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભારત આદિવાસી પાર્ટીના રાજસ્થાન અને મધ્યપ્રદેશના ધારાસભ્ય અને આગેવાનોની હાજરીમાં યોજાયેલ બેઠકમાં છોટુ વસાવાનું સાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું. છોટુ વસાવાએ જણાવ્યુ હતું કે, ભારત આદિવાસી પાર્ટી તરફથી ભરૂચ સહિત મોટાભાગની બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવશે, જેની ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. વધુમાં છોટુ વસાવાએ ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ઉપર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેમાં મનસુખ વસાવા ચૂંટાયા પછી આદીવાસી સમાજ માટે કંઈ કર્યું ન હોવાનો છોટુ વસાવાએ આક્ષેપ કર્યો હતો, જ્યારે ચૈતર વસાવા ઉપર પણ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કેજરીવાલ દેશનો બીજા નંબરનો ચોર છે અને તેના સાથે ચૈતર વસાવા ચાલે છે, હું જેને ગણાતો નથી. તેવી છોટુ વસાવાએ તીખી પ્રતિક્રિયા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, છોટુ વસાવાની લોકસભા ચૂંટણીમાં એન્ટ્રી બાદથી આદિવાસી મત વિભાજીત થવાની શક્યતાઓ વધી છે, ત્યારે આદિવાસી વિસ્તારમાં મનસુખ વસાવા, ચૈતર વસાવા અને છોટુ વસાવા જેવા દિગ્ગજ નેતાઓ પોતાની કમિટેડ વોટ બેન્કને જો જાળવી રાખે તો ભરૂચ લોકસભા બેઠકનું પરિણામ પણ રસપ્રદ બનશે તેવું રાજકીય પંડિતોમાં ચર્ચાઇ રહ્યું છે.

Next Story