Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદમાં જાહેર માર્ગ પર ફરી વળ્યું ગટરનું ગંદુ પાણી, સ્થાનિકો ત્રાહીમામ...

ભરૂચ જિલ્લાના આમોદ નગરના જાહેર માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતાં રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે..

X

ભરૂચ જિલ્લાના આમોદ નગરના જાહેર માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતાં રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તંત્રને વારંવારની રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. ભરૂચના આમોદ નગરના પુરસા રોડ ઉપર ગટરનું ગંદુ પાણી તેમજ કચરાના ઢગલાના કારણે રહીશો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. મીડિયા સમક્ષ રહીશોએ તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ ઠાલવી પોતાની વેદના વ્યક્ત કરી હતી. ગટરના ગંદા પાણી તેમજ કચરાના ઢગલા બાબતે રહીશો દ્વારા પાલિકા સત્તાધીશોને વારંવાર રજૂઆત કરાય છે..

તેમ છતાં પાલિકા દ્વારા આજદિન સુધી નિરાકરણ લાવવામાં નહીં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. હાલ હિંદુ સંપ્રદાયનો ચેત્ર માસ તેમજ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે, ત્યારે બન્ને સમુદાયના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આમોદ નગરપાલિકામાં ભાજપ પક્ષ સત્તારૂઢ હોવા છતાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગંદકીના કારણે અહીના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ એવી પણ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા તાકીદે પુરસા રોડ વિસ્તારની ગંદકી તેમજ કચરાના ઢગલાનો નિકાલ કરવામાં આવે તેવી પ્રબળ માગ ઉઠવા પામી છે.

Next Story