/connect-gujarat/media/post_banners/7ee664c4bc02423b4ee6dda533f6d5832f320d0a2a099d6338e5349123160e9a.jpg)
સંકટમાંથી બહાર લાવનાર ફાયર બ્રિગેડ માટે નવું જ ધર્મ સંકટ ઊભું થયું છે અને એ છે ફેક કોલનું.. ભરૂચ નગર સેવા સદનના ફાયર સ્ટેશનમાં રોજના સરેરાશ 80 જેટલા ફેક કોલ આવી રહ્યા છે જેના કારણે ફાયરકર્મીઓની મુસીબતમાં વધારો થયો છે.
હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે આ સ્થિતિને પહોંચી વળવા માટે શહેરોમા ફાયરબ્રિગેડ તંત્ર સદા સજ્જ હોય છે. કોઈ સ્થળે અકસ્માત સર્જાયાની ઘટના બને અને તેનો ફાયરબ્રિગેડની ઓફિસમાં મદદ માગતો ફોન રણકે તો તરત જ લોકોના જાનમાલની હિફાજત માટે ફાયર બ્રિગેડના સૈનિકો દોડી જતાં હોય છે અને નાગરિકોને મોતના મુખમાંથી બચાવતા હોય છે. પરંતુ ફાયરબ્રિગેડના સૈનિકોના જુસ્સા પર કેટલાક વિકૃત તત્વો પાણી ઢોળવાનું કામ કરતાં હોય છે. ફાયર બ્રિગેડની સેવા માટે નિશુલ્ક ટોલ નંબર આપેલા છે. જેનો કેટલાક નાગરિકો દુરુપયોગ કરતાં હોય છે. ક્યારેક તેઓ ફાયરબ્રિગેડના ફોન પર સાવ વાહિયાત વાતો કરવા લાગે છે તો ક્યારેક તેઓ બનાવટી ગંભીર ફોન કરીને ફાયરબ્રિગેડના કર્મચારીઓને ગેરમાર્ગે દોરવા લાગે છે. ભરુચ શહેરના ફાયરબ્રિગેડ કર્મીઓ પર અનેક ફેક કોલ આવતા હોય છે. ભરૂચ નાગર સેવા સદનના ફાયર સ્ટેશનમાં રોજના સરેરાશ 80 જેટલા ફેક કોલ આવી આવી રહ્યા છે.
ફાયર બ્રિગેડ પર ફેક કોલના કારણે અહીંયા ફરજ બજાવતા ફાયરના જવાનોની ઊંઘ હરામ બની છે. કેટલાક ટીખળખોર તત્વો જાણે કે આ ફાયરના નિશુલ્ક ટોલ નંબરને ટાઈમપાસ માટેનું સાધન સમજે છે. આવા ફેક કોલ કરવામાં જેટલા યુવકો સક્રિય છે એટલા જ પ્રમાણમાં યુવતીઓ પણ આજકાલ સક્રિય બની છે. જેના કારણે કેટલાક મહત્વના કોલ રિસીવ થવામાં વિલંબ થાય છે અને સાચા ઘટનાસ્થળ પર પહોંચવામાં ફાયર બ્રિગેડને મોડું થાય છે પરિણામે મોડા પહોંચનારા ફાયર કર્મીઓને લોકોના રોષનો ભોગ બનવું પડે છે. આ પ્રમાણે થતી હેરાનગતિના કારણે કોઈ દિવસ મોટી ઘટનામાં પણ ગફલત થઇ જતી હોય છે.કોઈના ઇમરજન્સી કોલને અટકાવી રાખતા તમારા આ ફેક કોલ કોઈ મોટી હોનારત સર્જી શકે છે. કોઈને જીવનદાન ન આપી શકીયે તો ભલે પણ કમસે કમ કોઈના મૃત્યુ માટેનું કારણ ન બનીયે તો એ પણ એક નાગરિક તરીકેની જ સેવા છે.