ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર માતેલા સાંઢની જેમ દોડતી એસ.ટી.બસના ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેના કારણે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા.
ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી ભારદારી વાહનોની અવરજવર જોખમી સાબિત થઇ રહી છે. જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવાયો હતો. જોકે, નર્મદા મૈયા બ્રિજ પરથી માત્ર એસટી બસોને પસાર થવાની મંજૂરી આપેલ છે તે ઘણા સમયથી લોકોના જીવનું સામે જોખમ ઊભું કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.જેનો તાજો નમૂનો આજરોજ જોવા મળી રહ્યો છે .જેમાં નર્મદામૈયા બ્રિજ પરથી સુરતથી ભરૂચ આવી રહેલ એસ.ટી.બસના ચાલકે કારને ટક્કર મારતા કાર મુખ્ય માર્ગ પરથી ફંટાઈને ડીવાઇડર પર ચઢી ગઈ હતી અને સ્ટ્રીટ લાઈટના પોલ સાથે ભટકાય હતી.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અને બ્રિજ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પર છાશવારે એસ.ટી.બસના કારણે અકસ્માતના બનાવો બને છે જેના કારણે તંત્ર દ્વારા બસની સ્પીડ લિમિટ રાખવામાં આવી છે પરંતુ માતેલા સાંઢની જેમ દોડતી એસ.ટી.બસના કારણે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે