/connect-gujarat/media/post_banners/1e3de9258b456fff4ab33b1a1513bfbdbd8a504d1d74c6104cfb75f6c1f42100.jpg)
અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડુ ગુજરાતના કાંઠાને ધમરોળવાની દહેશત વચ્ચે ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે, ત્યારે વાવાઝોડાની પ્રતિકુળ અસરોને લઈ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 44 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.
બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરના પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર વધુ સાબદું થયું છે, ત્યારે આજે વહેલી સવારથી જ દરિયા કાંઠા વિસ્તારમાં તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. વાવાઝોડાની પ્રતિકુળ અસરોને ધ્યાને લઈ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 44 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ જિલ્લા ડિઝાસ્ટર અને તાલુકા સ્તરે પણ તમામ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરી દઇ તમામ અધિકારીઓ, મામલતદાર, પ્રાંત, તલાટીઓને સ્થિતિ પર સતત નજર રાખવા સૂચના અપાઈ છે, જ્યારે તમામ માછીમારોને બોટ કિનારે લંગારી દઈ દરિયો નહીં ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની સંભવત અસરને લઈ સલામતી તેમજ તકેદારીના ભાગરૂપે જિલ્લાનું તંત્ર અને ડિઝાસ્ટર વિભાગ તમામ વ્યવસ્થા સાથે પરિસ્થિતિ મુજબ કામગીરી કરવા તૈનાત થયું છે.