ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના પૂર્વ ચેરમેન અને પ્રોલાઈફ ગ્રુપના સ્થાપક સ્વ. એમ.એસ.જોલીના જીવન ચારિત્ર્ય વિષે વિદ્યાર્થીઓ માહિતગાર થાય અને પ્રેરણા મેળવે તે હેતુથી બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના જન્મદિવસની ઉજવણી બાળદિન તરીકે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે, ત્યારે શાળાના દિવંગત અધ્યક્ષ મનિન્દરસિંઘ જોલીની સ્મૃતિમાં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળ દિવસ એટલે કે, તા. 14 નવેમ્બરથી તા. 20 નવેમ્બર સુધી દરરોજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં શાળાના તમામ વિભાગના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. આ સ્પર્ધામાં પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, ધોરણ 1થી 4ના વિદ્યાર્થીઓ માટે ક્લે આર્ટ કોમ્પિટિશન, ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ માટે વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા, ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ સ્પર્ધાના સમાપન પ્રસંગે સ્વ. એમ.એસ.જોલીના મિત્ર અને રીટાયર્ડ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ કૌશિક પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સ્વ. એમ.એસ.જોલીના જીવન ચારિત્ર્ય વિષે બાળકોને માહિતગાર કરી જણાવ્યુ હતું કે, સ્વ. એમ.એસ.જોલી પંજાબના ફિરોજપુર ગામેથી અભ્યાસ કરી મુંબઈ ખાતે ઉચ્ચ સ્તરીય અભ્યાસ મેળવી અંકલેશ્વર ખાતે પોતાનો વ્યવસાય શરૂ કરી સમગ્ર દેશ નહીં, પરંતુ વિશ્વના સૌથી વિકાસશીલ દેશોમાંના જાપાન, અમેરિકા, યુરોપ અને ફ્રાંસ જેવી જગ્યાઓ પર ખ્યાતના મેળવી હતી. સ્વ. એમ.એસ.જોલીના જીવન ચારિત્ર્યથી બાળકો પ્રભાવિત થાય અને પોતાના જીવનમાં લક્ષ્ય સાથે આગળ વધે તેવા હેતુસર યોજાયેલ કાર્યક્રમમાં રીટાયર્ડ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ કૌશિક પંડ્યાના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળા સંચાલક તથા જય અંબે સ્કૂલના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.