/connect-gujarat/media/post_banners/af60bea6bf3b84853a11602b3bd3ed40c83344b6fe606ec1e1dda09d75eef7c7.jpg)
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય ઉત્કર્ષ પહેલ અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં જિલ્લાને સંપૂર્ણપણે 100 ટકા સંતૃપ્ત કરવાની અનોખી પહેલના ભાગરૂપે નાયબ દંડક અને જિલ્લા કલેક્ટર તેમજ સહભાગીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતમાં એમઓયુ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં ઉત્કર્ષ પહેલની સફળતાના પગલે હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં જિલ્લાને સંપૂર્ણપણે 100% સંતૃપ્ત કરવાની અનોખી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે માટે એમઆરએફ કંપનીએ સી.આર.સી ફંડમાંથી 60 લાખ રૂપિયાનો સહયોગ આપ્યો છે. જે માટે એમ.આર.એફ. વાગરા, શ્રી મહાકાલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ભારત કેર્સ તેમજ આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત, ભરૂચ વચ્ચે એમઓયું કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે આ ઉત્કર્ષ પહેલને આવકારી કંપનીનો આભાર વ્યક્ત કરવા સાથે જિલ્લા વહીવટી તંત્રએ કરેલી શૈલીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સૂમેરાએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ તમામ જરૂરિયાતમંદ વ્યક્તિઓને મળે તે માટે આરોગ્ય ઉત્કર્ષ પહેલ શરૂ કરવામાં આવી હોવાનું જણાવી આગામી દિવસોમાં તે માટે વોટ્સએપ નંબર જાહેર કરવા સાથે તાલુકા મથકે પણ કેમ્પના આયોજન કરાશે તેમ જણાવી આ ફંડનો ઉપયોગ તે માટેના ખર્ચમાં થશે, જેમાંથી હાલમાં 2 લાખ લાભાર્થીઓના કાર્ડની વ્યવસ્થા થઈ ગઈ છે, અને જરૂર પડશે તો વધુ વ્યવસ્થાની પણ તૈયારી હોવાનું જણાવ્યુ હતું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં આપવામાં આવતા કાર્ડ બનાવાનારને કાર્ડ દીઠ રૂ. 30 ઇનસેંટિવ આપવામાં આવશે. જેથી આ કામગીરીમાં પણ વેગ આવશે અને જિલ્લા વહીવટી તંત્ર 100 ટકાની સિદ્ધિ ઉત્કર્ષ પહેલની જેમ પ્રાપ્ત કરી દેશના અન્ય જિલ્લાને પુનઃ દિશા નિર્દેશન કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.