Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદ ખાતે ધારાસભ્ય ડી.કે.સ્વામીના અધ્યક્ષસ્થાને ૭૪માં તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો...

સ્વામિનારાયણ સ્કૂલના બાળકોએ પીરામીડ કૃતિ રજૂ કરી મહેમાનોના દિલ જીતી લીધા હતા.

X

ભરૂચ જિલ્લાના આમોદ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલ ખાતે જંબુસરન ધારાસભ્ય ડી.કે.સ્વામીની અધ્યક્ષતામાં ૭૪મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના આમોદ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ૭૪મા તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ સ્વામિનારાયણ સ્કૂલની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ વન મહોત્સવના પ્રણેતા કનૈયાલાલ મુનશીને યાદ કરી મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. ૭૪મા તાલુકા કક્ષાના વન મહોત્સવમાં આવેલા મહેમાનોનું વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ સહિતના કર્મચારીઓએ તુલસીના છોડ આપી સ્વાગત કર્યું હતું. સ્વામિનારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓએ વૃક્ષોનું જીવનમાં મહત્વ અને વૃક્ષો કાપવાથી થતાં ગેરફાયદા વિશે સુંદર વક્તવ્ય આપ્યું હતું.

સ્વામિનારાયણ સ્કૂલના બાળકોએ પીરામીડ કૃતિ રજૂ કરી મહેમાનોના દિલ જીતી લીધા હતા. વન મહોત્સવ પ્રસંગે કૃતિમાં ભાગ લેનાર બાળકોને આમોદ વન વિભાગ તરફથી મહેમાનોના હસ્તે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વન મહોત્સવના અધ્યક્ષ પદે રહેલા જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામી, નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી ડૉ. રાઉલજી સહિતના મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું.

ત્યાર બાદ મહેમાનો દ્વારા સ્વામિનારાયણ સ્કૂલના વિશાળ પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાના ૭૪મા વન મહોત્સવ પ્રસંગે આમોદ નગરપાલિકા ઉપપ્રમુખ ઉષા પટેલ, કારોબારી ચેરમેન બીજલ ભરવાડ, આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી દિપક ચૌહાણ સહિત મોટી સંખ્યામાં શાળાના બાળકો, શિક્ષકો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ ધારાસભ્ય ડી.કે.સ્વામીએ વૃક્ષ રથનું લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

Next Story