/connect-gujarat/media/post_banners/608d7ccd2277a4e21c40a2be32d5a77caf4844fa8dd4e18b6c0840a67aad6473.jpg)
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે. તેમ કેટલાય નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. તેવામાં ભરૂચ જિલ્લાના જંબુસરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા બાદ ભાજપની ઘોર ખોદતા હોય તેવો ઓડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં રાજકીય વાતાવરણમાં કુતૂહલ સર્જાયું છે. સમગ્ર પ્રકરણમાં ભાજપ જિલ્લા પ્રમુખે પણ કિરણસિંહ મકવાણા પાસે ખુલાસો માગ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષો પણ સજ્જ થઇ રહ્યા છે. તેવામાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં ટિકિટ ન મળતા ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો, ત્યારે હવે 2022ની વિધાનસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ભાજપમાં જોડાયેલા કિરણસિંહ મકવાણાનો એક વિવાદિત વાત અંગેનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ જે પક્ષમાં છે, તે પક્ષની ઘોર ખોદી રહ્યા હોય તેવો કથિત ઓડિયો વાયરલ થયો છે. આ વાયરલ ઓડિયોમાં કિરણસિંહ મકવાણા ખુદ સામે ફોન કરનારને જણાવી રહ્યા છે કે, હવે કિરણભાઈ હોય કે પછી કોઈ અન્ય કોઈ પાર્ટી પાટીયા પડી જવાના છે, જેવા ભાજપ વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યા હોવાના ઓડિયો લોકોમાં ભારે ચર્ચા જગાવી છે.
સમગ્ર મામલે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિહ અટોદરિયાએ કિરણસિંહ મકવાણાના વાયરલ ઓડિયો મુદ્દે તેઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કિરણસિંહ મકવાણાએ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા સાથે ભાજપ કાર્યાલય ઉપર મુલાકાત દરમિયાન ખુલાસો આપતા જણાવ્યુ હતું કે, મને બદનામ કરવા માટેના મારા વિરોધીઓ કાવતરા કરી રહ્યા છે. પણ હું ભાજપને વફાદાર રહીશ, ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના કથિત ઓડિયો બાબતે ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિહ અટોદરિયાએ પણ કાર્યવાહી કરી હોવાનું રટણ કર્યું હતું. ભાજપ કાર્યાલય ઉપર ઉપસ્થિત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ગત વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપમાં જોડાયેલા કિરણસિંહ મકવાણાએ પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરી હતી, અને તેઓએ કહ્યું હતું કે, આ ઓડિયો બે-અઢી વર્ષ જુનો છે અને ઓડીયો મારો જ છે, તેમ કહી પોતાનો લૂલો બચાવ કરવાના પ્રયાસો કર્યો હતો, ત્યારે હવે કહી શકાય કે, વિધાનસભાની ચૂંટણી પહેલા જ વિવિધ રાજકીય કાવાદાવાનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે.
/connect-gujarat/media/media_files/2025/07/20/damodara-kund-junagadh-2025-07-20-18-18-03.jpeg)