Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કસક ઝુપડપટ્ટી વિસ્તારના સ્થાનિકોને વીજ કંપનીએ થમાવ્યું રૂ. 5થી 7 હજારનું વીજબિલ, જુઓ પછી શું થયું..!

ભરૂચ શહેર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલ કસક ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો વીજ કનેક્શન ધરાવે છે.

X

હાલની મોંઘવારી વચ્ચે શ્રમજીવી પરિવારોની હાલત કફોડી બની રહી છે, ત્યારે આવા સમયે પણ ભરૂચ શહેરના કસક સ્લમ વિસ્તારમાં વીજ કંપની દ્વારા 5થી 7 હજાર રૂપિયાના બિલ થમાવી દેતા લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

ભરૂચ શહેર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલ કસક ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો વીજ કનેક્શન ધરાવે છે. પરંતુ તાજેતરમાં વીજ કંપની દ્વારા આપવામાં આવેલા બિલમાં 3થી 4 ગણી રકમ વધુ આવતા સ્લમ વિસ્તારના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઝૂપડપટ્ટીમાં રહેતા લોકો અત્યંત ગરીબ હોવા છતાં તેઓના વિજ મીટરના જે બિલ આવ્યા છે, તે સામાન્ય પરિવાર માટે ચિંતાજનક બની ગયા છે. 1500થી 2 હજાર રૂપિયાનું બિલ આવતું હતું, જે સીધું 5થી 7 હજાર રૂપિયા બિલ આવતા સ્લમ વિસ્તારના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યુ હતું કે, અમારા મકાનમાં માત્ર ટ્યુબલાઇટ, પંખો અને ટીવી હોવા છતાં આટલી મોટી રકમનું વીજબિલ કેવી રીતે આવી શકે..! જેથી સમગ્ર મામલે સ્થાનિકો વીજ કંપની ખાતે રજૂઆત કરવા પહોચ્યા હતા, જ્યાં તેઓને યોગ્ય જવાબ મળ્યો ન હતો. સાથે જ મીટર ચેકિંગ માટે અથવા તો નવા મીટર માટે 120 રૂપિયાની ચુકવણી બાદ કાર્યવાહી થશે તેવું વીજ અધિકારીઓએ જણાવ્યુ હતું, ત્યારે કસક સ્લમ વિસ્તારના સ્થાનિકોએ મીડિયાના શરણે આવી પોતાને ન્યાયની આશાઓ વ્યક્ત કરી હતી.

Next Story