/connect-gujarat/media/post_banners/a20b37805e81f43e06b2909b3aad762e71de4b74944b5e332ccac72ebe209b69.jpg)
પુર્વોત્તર ભારતના રાજ્ય મણિપુરમાં થઈ રહેલ તોફાનોમાં આદિવાસી સમાજના લોકો સાથે થઈ રહેલા અત્યાચાર અટકાવવા અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા સ્થાપવાની માંગ સાથે ભારતીય ટ્રાયબલ ટાયગર સેનાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ભારતીય ટ્રાયબલ ટાયગર સેનાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, મણિપુરમાં તોફાનો હજુ સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યા. દિવસેને દિવસે હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. આ તોફાનોમાં અત્યાર સુધી 150થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 60 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. હાલમાં જ સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં કુકી આદિવાસી મહિલાઓ સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આ ફક્ત એક જ ઘટના નથી, પરંતુ આવી અન્ય ઘટનાઓ પણ કુકી આદિવાસીની મહિલાઓ સાથે થઈ છે. એટલું જ નહીં, કુકી આદિવાસીઓના ગામોને રંજાડવામાં આવી રહ્યા છે, ઘરો સળગાવી દેવામાં આવ્યા છે, અને કુકી આદિવાસીઓને તેમના ગામો ખાલી કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આવા હિંસક બનાવોમાં જે કોઈ અપરાધી છે, તે લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને હિંસા રોકવામાં ત્યાંની ભાજપ સરકાર નિષ્ફળ રહી છે, તથા દેશના વડાપ્રધાને પણ આ હિંસાઓ રોકવા કોઈ પ્રયાસ કર્યા નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા પ્રાંત અધિકારી કચેરી ખાતે પણ ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. મણિપુરમાં આદિવાસી સમુદાયમાં સમાવવા બાબતે થઈ રહેલ તોફાનોમાં આદિવાસીઓ સાથે થઈ રહેલા કથિત અત્યાચાર અટકાવવા અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા સ્થાપવા બાબતે આદિવાસી સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ જિલ્લાના ઝઘડિયા પ્રાંત અધિકારીને ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આવેદન પત્ર વેળા આદિવાસી સમાજના આગેવાન દિલિપ વસાવા, સરલા વસાવા, બાલુ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.