ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોબલા ગામે મગર એક વ્યક્તિને પાણીમાં ખેંચીને લઈ જતો હોવાનો વિડિયો સામે આવ્યો છે. બનાવના પગલે ઢાઢર નદી કિનારે વસવાટ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચના આમોદ તાલુકાના કોબલા ગામ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં અતિશય મગરો વસવાટ કરે છે. જોકે, મોટી સંખ્યામાં મગર ઢાઢર નદીમાં હોવાના વિડિયો પણ કેટલીય વાર સામે આવ્યા છે. તેવામાં ઢાઢર નદી કાંઠાના કોબલા ગામે હસુભાઈ રાઠોડ નામના વ્યક્તિ નદીની ધારે ચાલતા હતા. તે દરમ્યાન અચાનક તેમનો પગ લપસતા નદીના પાણીમાં ગરકાવ થયા હતા. જોકે, નદીમાં રહેલા એક મગરના મોઢે આ વ્યક્તિ આવી જતાં મગર તેમને પાણીમાં ખેંચીને લઈ ગયો હતો. ઘટનાના પગલે ઢાઢર નદી કાંઠા વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બનાવની જાણ થતાં જ કોબલા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ગ્રામજનો સહિત વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.