વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે ટિપ્પણીનો મામલો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળી વિરોધ દર્શાવાયો
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું
રાહુલ ગાંધીએ PM વિરુદ્ધ કરેલી ટિપ્પણી અંગે માફી માંગે
રાહુલ ગાંધી જાતિ મુદ્દે લોકોને ગેરમાર્ગે ન દોરે : ભાજપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી OBCમાં જન્મ્યા ન હતા. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તેમણે તેમની જાતિ OBC તરીકે જાહેર કરી હતી. હવે તેમના નિવેદન પર ભાજપે વળતો પ્રહારો કરવાનું શરૂ કર્યું છે.
જેના ભાગરૂપે ભરૂચ રેલ્વે સ્ટેશન સર્કલ નજીક ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર દેખાવો, વિરોધ પ્રદર્શન સહિત રાહુલ ગાંધીનું પૂતળું બાળીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ મામલે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતે કઈ જ્ઞાતિના છે, તે પહેલાં જાણે અને દેશના વડાપ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અંગે માફી માંગે સાથે જ જાતિના મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ ન કરે. સમગ્ર વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિત ભાજપના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.