Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની જન આર્શીવાદ યાત્રા, ડીજેના તાલ સાથે નીકળી બાઇક રેલી

વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ શરૂ, દક્ષિણ ગુજરાતની કમાન દર્શનાબેનને સોંપાય.

X

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે રાજયકક્ષાના રેલ્વેમંત્રી દર્શના જરદોશની જન આર્શીવાદ યાત્રા નીકળી હતી. ભરૂચ શહેરમાં ભાજપના યુવા મોરચાએ ડીજેના તાલ સાથે રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉમટી પડયાં હતાં.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ વધી રહયો છે ત્યારે ભાજપે દોઢ વર્ષ પહેલાં જ વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં કરેલાં મંત્રી મંડળના ફેરફારોમાં ગુજરાતમાંથી ડૉ. મુજપરા, દર્શના જરદોશ, મનસુખ માંડવીયા અને દેવુસિંહ ચૌહાણને સ્થાન આપવામાં આવ્યું છે. આ ચારેય મંત્રીઓને હાલ ચારેય દિશામાં દોડાવવામાં આવી રહયાં છે. કરમસદથી વલસાડ સુધીના વિસ્તારમાં આવતી વિધાનસભા બેઠકોની જવાબદારી રેલ્વે રાજયમંત્રી દર્શના જરદોશને સોંપવામાં આવી છે.

સોમવારના રોજ પાલેજથી તેમની ભરૂચની જન આર્શીવાદ યાત્રાની શરૂઆત થઇ હતી. તેમના સ્વાગત માટે ભરૂચમાં ભાજપના યુવા મોરચા તરફથી બાઇક રેલી યોજવામાં આવી હતી. કોરોનાના કહેર વચ્ચે ડીજેના તાલે નીકળેલી બાઇક રેલી દરમિયાન મંત્રી દર્શના જરદોશ ખુલ્લી જીપમાં સવાર થયાં હતાં. તેમણે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાજલિ, આત્મીય હોલ ખાતે કાર્યકરોને સંબોધન સહિતના કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

ભરૂચથી જન આર્શીવાદ યાત્રા અંકલેશ્વર તરફ રવાના થઇ હતી. યાત્રામાં ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્યો દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનો જોડાયાં હતાં. અમારા પ્રતિનિધિ જય વ્યાસે રેલ્વે રાજયમંત્રી દર્શના જરદોશ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે તાજેતરમાં સંસદનું સત્ર નહિ ચાલવા દેવા બદલ વિપક્ષ પર દોષનો ટોપલો ઢોળ્યો હતો.

Next Story