Connect Gujarat
ભરૂચ

ભરૂચના આ માર્ગ પરથી પસાર થતાં પહેલા વાહનચાલકો વિચારજો, નહિતર વેઠવી પડશે હાલાકી..!

X

ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા, શુકલતીર્થ, કડોદ, મંગલેશ્વર, અંગારેશ્વર અને ઝનોર સહિત 20થી વધુ ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક વર્ષોથી નવો નહીં બનતા રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી જવાના કારણે વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. વધુમાં હવે આ માર્ગ પર એટલી હદે ધૂળની ડમરીઓ ઉડવાથી લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે. આ માર્ગના સમારકામ માટે વારંવાર રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા શા માટે આખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. આ અગાઉ પણ 2 મહિના પહેલા જ ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર જ દોઢથી બે ફૂટ ઊંડા ખાડા પડી જતાં સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરી ખાડા પુરવાની માંગ કરી હતી. જોકે, માંગ કર્યા બાદ ખાડા તો પુરાયા, પરંતુ ત્યારબાદ પડેલા વરસાદના કારણે માર્ગ ધોવાય જતાં એની એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ માર્ગ પર શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને પણ ધૂળની ડમરીઓથી હાલાકી વેઠવી પડે છે. ઉલ્લેખનીય છે કે, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા દ્વારા થોડા મહિનાઓ પહેલા આ રોડ 20 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ 2 મહિનાથી કોઈપણ જાતની કામગીરી ન થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો આવનારા સમયમાં આ રોડ વહેલી તકે બનાવવામાં નહીં આવે તો સ્થાનિકો અને ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story