પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ-બહેનો પણ સ્વરોજગારી મેળવી સ્વાભિમાનથી જીવી શકે તે માટે ભરૂચ જિલ્લા અંધજન મંડળે અમદાવાદની સી-ટ્રેડ શિપિંગ ઇન્ડિયા કંપનીના સીએસઆર ફન્ડમાંથી રોજગારી માટે કેબીન આપી માનવતાનું ઉત્તમ કાર્ય કર્યું છે.
ભરૂચ જિલ્લા અંધજન મંડળ જિલ્લાના અંધજનોના હિત માટે કાર્ય કરે છે. અમદાવાદની સી-ટ્રેડ શિપિંગ ઇન્ડિયા કમ્પનીએ અંધજન મંડળના સેવા કાર્યમાં પૂરક બનવા પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોને સ્વરોજગારી માટે 25 જેટલા કેબીનો આપવાની તૈયારી બતાવી હતી. જેના ભાગરૂપે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે કેબીન અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, લોકગાયક અભેસિંહ રાઠોડ, અંધજન મંડળના પ્રમુખ અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીઆ, વાગરાના મામલતદાર વિધિ ખેતાન તથા અંધજનોની સેવા બદલ રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનાર રોજગાર અધિકારી રમેશ પટેલ અને સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરત રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રથમ તબક્કામાં 5 પ્રજ્ઞાચક્ષુઓને સ્વરોજગારથી આત્મનિર્ભર બનવા કેબીન અર્પણ કરવામાં આવી હતી.