Connect Gujarat
ભરૂચ

“લોન કેવી રીતે ભરીશું” : અંકલેશ્વરમાં પાલિકા દ્વારા દબાણો દૂર કરાતા દુકાનદારો રઝળી પડ્યા...

ત્રણ રસ્તા સર્કલથી ભરૂચિ નાકા સુધીના વિસ્તારમાં લોકો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસરના દબાણોને પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલથી ભરૂચિ નાકા સુધીના વિસ્તારમાં લોકો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસરના દબાણોને પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જેની સામે વિપક્ષના નેતાએ વાંધો ઉઠાવી પાલિકાના સત્તાધીશો વિરુદ્ધ શાબ્દિક પ્રહારો કર્યા હતા.

અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલથી ભરૂચિ નાકા સુધીના વિસ્તારમાં લારી-ગલ્લા સહિત શાકભાજી અને પથારાવાળાઓ દ્વારા ગેરકાયદેસર દબાણ કરાતા પાલિકાએ સપાટો બોલાવ્યો હતો. અંકલેશ્વર શહેરમાં વધતા જતા ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે, ત્યારે પાલિકા દ્વારા આવા દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે મુખ્ય માર્ગ પર રહેલા તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણોને પાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે રોજનું કમાઈને ખાવાવાળા કેટલાક લારી-ગલ્લા અને દુકાનદારોએ હવે પોતાનું ગુજરાન કેમ ચલાવવું તેવો મોટો સવાલ પણ ઊભો થયો છે.

તો બીજી તરફ, કેટલાક દુકાનદારો અને લારી-ગલ્લાવાળાઓએ મહામહેનતે સરકારી લોન મેળવી પોતાની આજીવિકા રળી રહ્યા છે, ત્યારે દબાણના પગલે તેઓના વેપાર-ધંધા પર મોટી અસર પડશે. તેવામાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી દબાણ કામગીરી સામે પાલિકા વિપક્ષના નેતાએ વાંધો ઉઠાવી જણાવ્યુ હતું કે, જે વિસ્તારોમાંથી દબાણો હટાવવા જોઈએ ત્યાં પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી, અને માર્ગથી દૂર રહેલા દબાણો દૂર કરી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને પાલિકા દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો હતો. આ સાથે જ લારી-ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા ફાળવી આપવામાં આવે તેવી પણ પાલિકા વિપક્ષના નેતાએ માંગ કરી છે.

Next Story