/connect-gujarat/media/post_banners/b0c8cd0e169eb8aeba0345939de58f41d4b8f569aa50b25b75efc2e9e9d1e919.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, ત્યારે હવે ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
ભરૂચ જીલ્લામાં વાહનોથી સતત ધમધમતા અંકલેશ્વર શહેરમાંથી ફરી એકવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. આમ તો અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે અવાર નવાર ટ્રાફિક જામ થયા કરે છે. જોકે, હવે વારંવાર થતાં ભારે ટ્રાફિક જામના કારણે વાલિયા ચોકડી જાણે ટ્રાફિક જામનું હબ બની હોય તેમ લાગી રહ્યું છે. નેશનલ હાઇવે પર વડોદરાથી સુરત તરફ જતાં ટ્રેક પર આવેલ વાલિયા ચોકડી ખાતે બ્રિજ અને સર્વિસ રોડ એમ બન્ને માર્ગ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ટ્રાફિક જામ સર્જાતા નોકરી ધંધે જતાં લોકો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ, પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો અને પોલીસકર્મીઓ ગોઠવી યોગ્ય પગલાં ભરવામાં આવે, જેથી ટ્રાફિકજામની સમસ્યાનું મહદઅંશે નિરાકરણ આવી શકે તેવું વાહનચાલકોનું માનવું છે.