Connect Gujarat
ભરૂચ

ભરૂચમાં મેઘરાજા ગાંડાતુર : એક જ રાતમાં સાત ઇંચ વરસાદ ખાબકયો : આકાશી પ્રલયથી ઠેર ઠેર તબાહી

સમગ્ર રાજયમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં હતું ત્યાં જ આકાશી આફતે જનજીવનને ખોરવી નાંખ્યું છે.

ભરૂચમાં મેઘરાજા ગાંડાતુર : એક જ રાતમાં સાત ઇંચ વરસાદ ખાબકયો : આકાશી પ્રલયથી ઠેર ઠેર તબાહી
X

સમગ્ર રાજયમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં હતું ત્યાં જ આકાશી આફતે જનજીવનને ખોરવી નાંખ્યું છે. ભરૂચ અને અંકલેશ્વરમાં મંગળવારની રાત્રિએ વરસેલાં મુશળધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયાં હતાં. દુકાનો, ઘરો અને રસ્તાઓ પર પાણી ફરી વળતાં લોકો કુદરત સામે લાચાર બની ગયાં હોય તેવા ભયાવહ દ્રશ્યો જોવા મળ્યાં હતાં. મેઘરાજાએ ભરૂચ અને અંકલેશ્વરવાસીઓના હાલ-બેહાલ કરી નાંખ્યાં છે.


ગુજરાતમાં ભાદરવા મહિનાની શરૂઆતમાં મુશળધાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું. ભાદરવાની શરૂઆતના દિવસોમાં તોફાની બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં હતું ત્યાં અરબી સમુદ્રમાં ગુલાબ નામનું વાવાઝોડુ સર્જાયું હતું. ગુલાબ નામ તો સાંભળવામાં સુંદર લાગે છે પણ ગુલાબ વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાય હતી. સમગ્ર રાજયના વાતાવરણમાં પલટો આવ્યો છે અને છેલ્લા બે દિવસથી વરસાદ રાજયને ધમરોળી રહયો છે. આખા રાજયમાં નદીઓ અને નાળાઓ છલકાય ઉઠયાં છે. ઉકાઇ, કરજણ સહિતના ડેમોમાં પાણીનો આવરો વધી જતાં દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવી રહયું છે.

ગુજરાતમાં ખાસ કરીને ભરૂચ જિલ્લામાં મંગળવારની રાતે લોકોના જીવ તાળવે ચોટી ગયાં હતાં. બપોરના સમયે શરૂ થયેલા વરસાદે બુધવારે સવાર સુધીમાં તો સીઝનના તમામ રેકોર્ડ તોડી નાંખ્યાં હતાં. પાછા ફરતા મોસમી પવનો અને ગુલાબ વાવાઝોડાની અસરના પગલે અવિરત વરસેલા વરસાદે ભરૂચ અને અંકલેશ્વર શહેરને જળબંબાકાર કરી નાંખ્યાં હતાં.


ભરૂચ શહેરમાં 2002ની સાલમાં એક જ રાતમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. લગભગ 19 વર્ષ બાદ શહેરીજનોએ એવા જ ભયાનક વરસાદનો અનુભવ કર્યો હતો. આમ તો બે દિવસથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો પણ કોઇને કલ્પના ન હતી કે મેઘરાજા આટલી તોફાની બેટિંગ કરશે. ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં હોવાથી લોકો થોડા નિશ્ચિત બની ગયાં હતાં પણ અચાનક આકાશી આફત ત્રાટકી હતી. રાતભર વરસેલા વરસાદે ભરૂચ અને અંકલેશ્વર શહેરના મોટાભાગના વિસ્તારોને જળબંબાકાર કરી નાંખ્યાં હતાં. ભરૂચ શહેરમાં સોસાયટીઓમાં પાણી ભરાવાની શરૂઆત થતાં લોકોએ ઘરવખરી બચાવવા દોડધામ કરી મુકી હતી. મકાનોમાં રાખેલાં સામાનને તો લોકો બચાવી શકયાં હતાં પણ દુકાનોમાં પાણી ભરાય જતાં વેપારીઓને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને શોપિંગ સેન્ટરોના બેઝમેન્ટમાં પાણી ભરાય ગયાં હતાં.

ભરૂચમાં વર્ષો બાદ લોકોએ મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોયું હતું. શહેરમાં જયાં જુઓ ત્યાં પાણી જ પાણી હતું. રસ્તાઓ પાણીમાં ગરકાવ હતાં. રસ્તાઓ પરથી વહેતો પાણીનો ધસમસતો પ્રવાહ ડરામણો લાગતો હતો.

ભરૂચ શહેરની ભૌગોલિક સ્થિતિની વાત કરવામાં આવે તો ભરૂચ શહેર બે ભાગમાં વહેચાયેલું છે. જુનુ ભરૂચ અને નવું ભરૂચ... પાંચબત્તીથી ઉત્તર દિશામાં નવું શહેર વસ્યું છે જયારે દક્ષિણમાં જુનુ શહેર હયાત છે. આકાશમાંથી અવિરત વરસી રહેલા જળના પગલે જુના ભરૂચના ફુરજા વિસ્તારમાં પાણીનો પ્રવાહ ગાંડોતુર બની ગયો હતો. આ સ્થળેથી આખા શહેરનું પાણી વહીને નર્મદા નદીમાં જતું હોય છે. મંગળવારની રાતથી જ ફુરજા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઇ હતી. પાણીના ધસમસતા પ્રવાહમાં વાહનો ખેંચાવા લાગતાં લોકોને દોરડાથી વાહનોને બાંધવા પડયાં હતાં. કદાચ ભુતકાળમાં પણ તેમને આવું નહિ કરવું પડયું હોય.. ફુરજા વિસ્તારમાં આવેલી દુકાનો અને મકાનોમાં પાણીનો ભરાવો થઇ ગયો હતો. નર્મદા નદીમાં આવતાં પુરના સમયે આ વિસ્તાર જ સૌથી વધારે પ્રભાવિત થતો હોય છે. માત્ર ફુરજા જ નહી પાંચબત્તી, લીંક રોડ, દાંડીયાબજાર, કસક સહિતના મોટાભાગના વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાય જતાં જન જીવન ખોરવાય ગયું હતું.


ભરૂચની સાથે વરસાદે અંકલેશ્વરવાસીઓના હાલ પણ બેહાલ કરી નાંખ્યાં હતાં. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરના સીટી અને જીઆઇડીસી એમ બંને વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો.

અંકલેશ્વરમાં છેલ્લા બે દિવસથી સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઇ રહી હતી. મંગળવારે બપોરના સમયે ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને વીજળીના કડાકા ભડાકાઓએ ભયાવહ બનાવી દીધો હતો. વીજળીના કડાકા- ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ બુધવારે સવાર સુધી અણનમ રહયો હતો. આખી સીઝનનો બાકી રહેલો વરસાદ એક જ રાતમાં વરસી ગયો હતો. વરસાદે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં અને ઝુંપડાઓમાં રહેતાં લોકોની હાલત દયનીય બનાવી દીધી હતી. અંકલેશ્વરની અનેક સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ગયાં હતાં. આમલાખાડી ઓવરફલો થઇ જતાં આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં. અંકલેશ્વર શહેરમાં પણ નદીઓ વહી હતી. અને કલાકો સુધીના ટ્રાફિકજામમાં સેંકડો વાહનો ફસાય ગયાં હતાં. એક તરફ વરસાદ અને બીજી તરફ ટ્રાફિકે લોકોને હેરાન પરેશાન કરી નાંખ્યાં હતાં. મુશળધાર વરસાદના પગલે અંકલેશ્વરમાં પણ જનજીવન ખોરંભે પડી ગયું હતું.

Next Story